હિંમતનગર તાલુકાના પાંચથી વધુ ગામોમાં કપાસના પાકમાં ‘ખાખરી’ (સુકારા)ના રોગનો કહેર: ખેડૂતોની સ્થિતિ દયાજનક બની
ઝાકળ અને ધુમ્મસના કારણે પાકના પાંદડા પીળા પડીને સુકાવા લાગ્યા: અલ્પ વરસાદ વચ્ચે ખાખરીના ઉપદ્રવથી કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે દર વર્ષે કપાસનો પાક મુખ્ય આજીવિકા સમાન રહ્યો છે, પરંતુ ચાલુ વર્ષે હિંમતનગર તાલુકાના પાંચથી વધુ ગામોમાં કપાસનો પાક તૈયાર થવાની અણી પર છે ત્યારે જ એકાએક ‘ખાખરી’ (સુકારો) નામના રોગનો ભયંકર ઉપદ્રવ જોવા મળતા ખેડૂતોની દશા કફોડી બની ગઈ છે. એક તરફ ચાલુ વર્ષે અગાઉના વર્ષોની સરખામણીએ ચોમાસામાં ઓછો વરસાદ થયો છે, અને બીજી તરફ તૈયાર પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતો માટે “પડતા પર પાટુ” જેવી સ્થિતિ સર્જાઈ છે.
દિવાળી ટાણે આવકની આશાઓ પર પાણી ફરી વળ્યું
તાલુકાના ગાંભોઈ, ચાંપલાનાર, રૂપાલ, મનહરપુર અને હિંમતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ ચોમાસાના પ્રારંભ પહેલાં જ બોરકુવાના સિંચાઈના પાણીથી કપાસનું આગોતરું વાવેતર કર્યું હતું. વરસાદ શરૂ થયા બાદ ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ મોંઘા ખાતર અને કીટનાશક દવાઓનો છંટકાવ કરીને પાક ઉછેર્યો હતો. દિવાળી પછી કપાસ વેચીને ઘરના જરૂરી ખર્ચ અને દેવું સરભર કરવાના સ્વપ્ના ખેડૂતોએ સેવ્યા હતા, પરંતુ રોગના વિષચક્રએ આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
માત્ર ૧૦ દિવસમાં જ સમગ્ર ખેતર રોગની ઝપેટમાં
હવામાનમાં ફેરફાર અને ધુમ્મસ-ઝાકળ પડવાને કારણે કપાસના છોડ પરના લીલા પાંદડાં પહેલાં પીળા પડી રહ્યા છે અને ત્યારબાદ આખો છોડ સુકાઈને નાશ પામી રહ્યો છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કપાસમાં એકવાર ખાખરી (સુકારો)નો રોગ દાખલ થાય એટલે આસપાસના અન્ય છોડ પણ તુરંત તેની લપેટમાં આવી જાય છે. જોતજોતામાં ૧૦ દિવસના ટૂંકા ગાળામાં આખેઆખું ખેતર રોગગ્રસ્ત બની જાય છે.
રોગના ઝડપી ફેલાવાને કારણે હવે અપેક્ષિત ઉત્પાદન મળવાની શક્યતા નહિવત્ રહી છે, જેથી પીડિત ગામોના ખેડૂતોમાં ભારે નિરાશા અને ચિંતાની વ્યાપી ગઈ છે.



