Uncategorized

હિંમતનગરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાનો કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ

શીતલ ઠાકર ગાંધીનગર

હાલમાં દિલ્હીમાં યોજાયેલી વિશ્વસ્તરીય AI સમિટને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સમિટ દરમિયાન રાહુલ ગાંધી અને ઈન્ડિયા નેશનલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ અને નિવેદનોને લઈને હવે ભારતીય જનતા પાર્ટી ખુલ્લેઆમ મેદાને ઉતરી છે. આ મુદ્દે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

હિંમતનગરના ટાવર ચોક ખાતે યોજાયેલા વિરોધ દરમિયાન ભાજપ મહિલા મોરચાની કાર્યકરોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ તીવ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીના ફોટાનું દહન કરીને કાર્યકરોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા સ્તરના આગેવાનો, મહિલા મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

ભાજપના આગેવાનોનું કહેવું છે કે AI સમિટ ભારતના ભવિષ્ય, યુવાનોની તક અને ટેકનોલોજીના વિકાસ સાથે સીધે જોડાયેલી છે. આવી વૈશ્વિક મહત્વની સમિટમાં રાજકારણ ઘુસાડવું એ બેજવાબદાર વલણ છે. કોંગ્રેસ પક્ષ વિકાસના મુદ્દાઓ પર સકારાત્મક ભૂમિકા ભજવવાની જગ્યાએ સતત વિરોધની રાજનીતિ કરી દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ભાજપ મહિલા મોરચાએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રે વિશ્વમાં મજબૂત ઓળખ બનાવી રહ્યું છે, જે કોંગ્રેસને સહન થતી નથી. તેથી કોંગ્રેસ રાષ્ટ્રીય હિતના મુદ્દાઓમાં પણ નકારાત્મક રાજકારણ કરી રહી છે.

આ પ્રસંગે આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશના વિકાસ, યુવાનોના ભવિષ્ય અને વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા સાથે કોઈપણ પ્રકારનું રાજકારણ કરવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટી તેનો જવાબ રસ્તા પર આપશે. AI સમિટ મુદ્દે કોંગ્રેસના વલણ સામે દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની AI સમિટને લઈને શરૂ થયેલો રાજકીય આરોપ-પ્રત્યારોપનો સિલસિલો હજુ યથાવત્ છે, હવે આગળ આ મુદ્દે રાજકારણ કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!