વિજયનગરના લીંમડા ગામે ખેતરમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર ઝડપાયું, ચિઠોડા પોલીસે બેને ઝડપી પાડ્યા

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ચિઠોડા પોલીસે ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. લીંમડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી પોલીસે અંદાજે રૂ.૬ લાખની કિંમતના ૧૨ કિલો વજનના ૫૮ લીલા ગાંજાના છોડ ઝડપી પાડી બે આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ચિઠોડા પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે લીંમડા ગામે રહેતા વિજય મણીલાલ બલાત તથા અરવિંદ જીવાજી બલાત પોતાના ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ખેતરની તપાસ કરતા ત્યાંથી કુલ ૫૮ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું વજન અંદાજે ૧૨ કિલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ.૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓને ઝડપી પાડી તેમની સામે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વિજયનગર પંથકમાં ગેરકાયદે નશીલા પદાર્થોના વાવેતર સામે પોલીસે હાથ ધરેલી કાર્યવાહીથી વિસ્તારમાં ચર્ચા જાગી છે.




