હિંમતનગરમાં પાર્કિંગ અને ટોઈંગ મુદ્દે બબાલ: કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવતી કોંગ્રેસ

હિંમતનગર શહેરમાં તાજેતરમાં જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ સામે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ટોઈંગ અને દંડની કાર્યવાહી સામે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે હિંમતનગર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા વિના દંડ વસૂલવાનો આક્ષેપ
કોંગ્રેસના હિંમતનગર શહેર પ્રમુખ મનોજ બારોટ અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 403 જેટલા વાહનો (221 ટુ-વ્હીલર અને 182 ફોર-વ્હીલર) સામે કાર્યવાહી કરીને રૂ. 2,01,500થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ કાયદાના પાલન કે ગેરકાયદેસર પાર્કિંગ સામેની કાર્યવાહીના વિરોધમાં નથી, પરંતુ યોગ્ય પાર્કિંગ સુવિધા ઊભી કર્યા વગર માત્ર દંડ વસૂલવો અને ટોઈંગ કરવું એ નાગરિકો અને વેપારીઓ પર આર્થિક બોજ સમાન છે.
નવરાત્રિ અને દિવાળીના તહેવારો ટાણે વેપાર પર અસર
આગામી સમયમાં નવરાત્રિ અને દિવાળી જેવા મુખ્ય તહેવારો આવી રહ્યા છે, ત્યારે આજુબાજુના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે હિંમતનગર શહેરના બજારોમાં આવતા હોય છે. આવી સ્થિતિમાં પાર્કિંગ સ્થળોના અભાવે ગ્રાહકો અને વેપારીઓને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ અને માંગણીઓ:
-
સ્થાયી પાર્કિંગ વ્યવસ્થા: નિશ્ચિત કરાયેલા પાર્કિંગ સ્થળોને તહેવારોની સીઝનમાં ડ્રો સિસ્ટમથી ભાડે આપવાને બદલે કાયમી અને વ્યવસ્થિત બનાવવા.
-
ફૂટપાથ દબાણમુક્ત કરવા: રોડની ટ્રાફિક લાઈન ખુલ્લી રાખવી અને ફૂટપાથ સંપૂર્ણપણે દબાણમુક્ત કરી રાહદારીઓ માટે ખુલ્લા કરવા.
-
કોમર્શિયલ બિલ્ડિંગોની તપાસ: નવા બનેલા કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગની જગ્યાનો વાસ્તવિક ઉપયોગ થાય છે કે નહીં તેની ચકાસણી કરવી.
-
વેન્ડિંગ ઝોન: ‘Street Vendors Act’ મુજબ લારી-ગલ્લાવાળાઓ માટે યોગ્ય વેન્ડિંગ ઝોનની વ્યવસ્થા કરવી.
-
સાઇન બોર્ડ અને માર્કિંગ: ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ‘નો પાર્કિંગ’ માટેના સ્પષ્ટ સાઇન બોર્ડ લગાવવા તેમજ રસ્તા પર સફેદ/પીળી પાર્કિંગ લાઈનનું માર્કિંગ કરવું.
-
જનજાગૃતિ: કાયદાનો કડક અમલ કરતા પહેલા યોગ્ય વ્યવસ્થા ઊભી કરી જનજાગૃતિ લાવવી.
કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે પોલીસ પ્રશાસન, જિલ્લા કલેક્ટર અને હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સંકલન સાધીને એક ચોક્કસ રોડમેપ તૈયાર કરે અને નાગરિકો માટે સુવિધા ઊભી કર્યા બાદ જ કાયદાનો અમલ કરાવે.





