ઇડર
ઇડરના પાનોલમાં વાવના કૂવામાં પડી જતાં ૪૫ વર્ષીય યુવકનું કરૂણ મોત: ગામના તલાટીએ ટીમ બોલાવી મૃતદેહ બહાર કઢાવ્યો

ઇડર તાલુકાના પાનોલ ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં આવેલી એક વાવના કૂવામાં અચાનક પડી જવાથી ૪૫ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર, પાનોલ ગામના રહીશ રાવળ બળવંતભાઇ કાળાભાઇ બુધવારે કોઇ અગમ્ય કારણોસર ગામમાં આવેલી વાવના કૂવામાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામના તલાટી ચેતનાબેન પટેલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને ઇડર ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે આવી પહોંચવા જાણ કરી હતી.
ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહમત બાદ બળવંતભાઇ રાવળના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. બનાવ અંગે ઇડર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇડર પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.




